
દેશની
સાઈબર સુરક્ષા એજન્સી CERT-IN એ રેન્સમવેર વાયરસ અથવા માલવેર
'વન્નાક્રાઈ'નો સામનો કરવા માટે ઈન્ટરનેટ યૂઝર્સને એલર્ટ કરી દીધા છે.
આ વાયરસથી કમ્પ્યુટર કામ કરતું બંધ થઈ શકે છે અને દૂર બેસીને પણ એને લોક
કરી શકાય છે.
દુનિયાભરમાં 99 જેટલા દેશોમાં અનેક કમ્પ્યુટર સિસ્ટમને ઈન્ફેક્ટ કરી દેનાર એક નવા રેન્સમવેર વાયરસ 'વન્નાક્રાઈ' (WannaCry) તરફથી કોઈ સંભવિત મોટા સાઈબર એટેકને ખાળવા માટે તેણે સુસજ્જતા પ્રાપ્ત કરી લીધી છે અને રીસ્પોન્સ મિકેનિઝમને એક્ટિવેટ કરી દીધી છે.
કેન્દ્રના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે કહ્યું છે કે કથિત રેન્સમવેર સંબંધિત તમામ માહિતીઓ એકત્ર કરવા માટે તેણે CERT-IN (કમ્પ્યુટર ઈમરજન્સી રીસ્પોન્સ ટીમ)ને સૂચના આપીને પોતાની સુસજ્જતા તથા રીસ્પોન્સ યંત્રણાને સક્રિય કરી દીધી છે.
સાઈબર રેન્સમવેર વાયરસ ફેલાવનાર સોફ્ટવેર છે, જે તમારી કમ્પ્યુટર સિસ્ટમ સુધી પહોંચીને એને ત્યાં સુધી બ્લોક કરી રાખે છે જ્યાં સુધી સાઈબર અપરાધીને ઓનલાઈન માધ્યમ દ્વારા શિકાર મળી ન જાય. શિકાર મળી ગયા બાદ સાઈબર અપરાધી યૂઝરને જણાવે છે કે તેના કમ્પ્યુટરમાં શું ગડબડ થઈ છે અને કમ્પ્યુટરને અનલોક કરવા માટે તે 300 અમેરિકી ડોલરની રકમ ચૂકવવાની માગણી કરે છે. એને બિટકોઈન કરન્સીમાં ઓનલાઈન રકમ મળી ન જાય ત્યાં સુધી કમ્પ્યુટર સિસ્ટમ ફરી ચાલુ થતી નથી.
સીઈઆરટી-ઈનનું કહેવું છે કે, એવા સમાચાર મળ્યા છે કે વાનાક્રાઈ નામનો એક નવો રેન્સમવેર વ્યાપક સ્તરે ફેલાઈ રહ્યો છે. વન્નાક્રાઈ અસરગ્રસ્ત વિન્ડો સિસ્ટમ પર ફાઈલ્સને એનક્રિપ્ટ કરે છે, રેન્સમવેર વિન્ડો સિસ્ટમમાં સર્વર મેસેજ બ્લોક (એસએમબી)ના ઉપયોગમાં સુરક્ષાનું ધ્યાન ન રાખવાથી ફેલાય છે.
વન્નાક્રાઈ કે વન્નાક્રિપ્ટ નામનું રેન્સમવેર કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક ડ્રાઈવને એનક્રિપ્ટ કરે છે અને ત્યારબાદ એના લોકલ એરિયા નેટવર્ક પર કમ્પ્યુટર્સની વચ્ચે ફેલાય છે. રેન્સમવેર ઈમેલમાં વાયરસ ફેલાવનાર અટેચમેન્ટ દ્વારા પણ ફેલાઈ શકે છે.
રેન્સમવેર વાયરસ એટલો ખતરનાક અને સ્માર્ટ છે કે એ 'પ્લીઝ રીડ મી' નામની એક ફાઈલ છોડે છે.
આજે દુનિયામાં ઘણા દેશોમાં કમ્પ્યુટર્સને સુરક્ષિત બનાવવા તેમજ ઈન્ફેક્ટેડ કમ્પ્યુટર્સમાંથી વાયરસ દૂર કરવામાં ટેકનિકલ સ્ટાફ વ્યસ્ત રહ્યો હતો. ટેકનિકલ નિષ્ણાતોને એવો ભય છે કે શુક્ર અને શનિવારે અનેક કાર ઉત્પાદક કંપનીઓ, હોસ્પિટલો, શોરૂમ્સ તથા શાળાઓમાં કમ્પ્યુટર્સનું કામકાજ ખોરવી નાખનાર રેન્સમવેર વાયરસ વાનાક્રાઈ સોમવારે કર્મચારીઓ ફરી લોગ-ઓન કરશે ત્યારે હાહાકાર મચાવશે.
માઈક્રોસોફ્ટના એક્સપી (XP) જેવી જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા કમ્પ્યુટર પર આ માલવેર સૌથી વધારે અસર કરે છે અને તેની અસરમાં આવતાં જ કમ્પ્યુટરની બધી ફાઈલ્સ લોક થવા માંડે છે.
ગયા શુક્રવાર અને શનિવારે આ રેન્સમવેર મારફત રશિયા અને બ્રિટન સહિત 100 દેશોમાં કમ્પ્યુટર સિસ્ટમ પર સાઈબર હુમલો કરવામાં આવ્યો હતો.
અત્યાર સુધીના ઈતિહાસમાં આ સૌથી વ્યાપક સ્તરે ફેલાતો રેન્સમવેર છે.